સિનેમા, રાજકારણ, વ્યાપાર અને વાણિજ્ય, પર્યટન, ઓટોમોબાઇલ, ફેશન, ગેલગપાટાં વગેરે વિષયો પર એક માગો ને અડધો ડઝન જોવા મળે એટલાં સામયિકો આપણે ત્યાં પ્રગટ થાય છે. બીજી તરફ, વિજ્ઞાન, ટેક્નોલોજિ, હોબી, બ્રહ્માંડ, ઇતિહાસ, પર્યાવરણ, જીવસૃષ્ટિ વગેરે વિષયો પર સારૂં સામયિક શોધ્યું જડતું નથી, એટલે આ રસપ્રદ વિષયોમાં રસ ધરાવતા વાચકે કાં તો પોતાનું મન વાળવું પડે છે અથવા તો નાણાંકીય રીતે સદ્ધરતા તે ભોગવતો હોય તો ઊંચી કિંમતના વિદેશી સામયિકો તેણે વસાવવાનાં થાય છે. અલબત્ત, માતૃભાષામાં પોતાના મનપસંદ વિષયનું સામયિક વાંચવાનો તેનો અભરખો તો એ પછીયે પૂરો થઇ શકતો નથી.
આ સ્થિતિ આપણે ત્યાં આજકાલથી નહિ, વર્ષોથી છે. વળી યથાવત્ છે. બિનજરૂરી તેમજ નિરર્થક વાંચનસામગ્રીનો છપ્પન ભોગ ધરવામાં આવે છે, જ્યારે સારૂં અને સુપાચ્ય વાંચન મેળવવા માટે જ્ઞાનપિપાસુ વાચકે અનેક એકાદશી કરવી પડે છે. આ જાતનો ભૂખમરો અંગ્રેજી બરાબર ન જાણતા (અગર તો અંગ્રેજીમાં લખાયેલા ટેક્નિકલ શબ્દોને સમજવામાં મુશ્કેલી અનુભવતા) વાચકના ભાગે તો વિશેષ આવે છે. જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાનો અવસર તે ગુમાવતો રહે છે. પરિણામે લાંબે ગાળે એક સારો વિચારક (કદાચ વિજ્ઞાની) આપણે ગુમાવી બેસીએ છીએ. આ નુકસાન એવું છે કે જે કોઇ પણ સંજોગોમાં ભરપાઇ થતું નથી.
છેલ્લા ત્રીસેક વર્ષ કરતાંય વધુ સમયથી ગુજરાતી વાચકોની જ્ઞાનભૂખ સ્કોપ અને સફારી જેવા જ્ઞાનવિજ્ઞાનના સામયિકો વડે સંતોષતા રહેલા હર્ષલ પબ્લિકેશન્સની મુખ્ય નેમ નવી પેઢીનાં ચંચળ મગજને યોગ્ય માર્ગે વાળવાની અને ખાસ તો આવતી કાલના સ્પર્ધાત્મક જગતમાં તેમને સફળ બનવા માટે તેમનું વ્યક્તિત્વ ઘડતર કરવાની છે. ફુરસદના સમયે ટેલિવિઝન પર મારધાડની અને ખૂનબળાત્કારની ફિલ્મો જોતાં બાળકોને જ્ઞાનવિજ્ઞાનના મહાસાગરમાં ઊંડે સુધી ડૂબકી મરાવી જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી તરફ વાળવાની છે.
આ વણઅટકી પ્રક્રિયા હર્ષલ પબ્લિકેશન્સે ‘સફારી’ થકી છેક ૧૯૮૧ થી ચાલુ રાખી છે. આ લાંબી અવધિ દરમ્યાન અનેક વાચકોની વિચારસરણી તેણે બદલી, વૈજ્ઞાનિક અભિગમ તેમનામાં ખીલવ્યોઅને તે અભિગમ વખત જતાં કેટલાકને ડોક્ટરની, ઇજનેરની કે પછી વૈજ્ઞાનિક તરીકે રીસર્ચ લેબમાં કામ કરવાની લાઇન તરફ વાળવામાં મદદરૂપ નીવડ્યો. ‘સફારી’નો ફાળો ભલે તેમાં પરોક્ષ ગણાય, છતાં ઉલ્લેખનીય છે. ભવિષ્યમાં આવનારાં વધુ કેટલાંક સીમાચિહ્ન પણ હર્ષલ પબ્લિકેશન્સ પાર કરશે, કેમ કે બે મહત્ત્વપૂર્ણ ટેકા તેને મળી રહ્યા છે. પહેલો સાથ સફારીના વાચકોનો, તો બીજો સાથ સફારીના તંત્રી નગેન્દ્ર વિજયનો !
|