• હેલ્પ ડેસ્ક • અબાઉટ અસ • સાઇટમૅપ • કૉન્ટૅક્ટ અસ • હોમ
‘સફારી’ની સફર - કલ, આજ ઔર કલ
Nagendra-vijayઆજથી ચારેક દાયકા પહેલાં મેં વિજ્ઞાનનું  સામયિક ‘સ્કોપ’ શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે એક અનુભવી ન્યૂઝપેપર એજન્ટે મારા હિતુચ્છુ હોવાના નાતે સલાહ આપી હતી

પૈસાનો ધૂમાડો કરવો હોય અને વહેલા શહીદ થવું હોય તો જ વિજ્ઞાનનું મેગેઝિન કાઢજો. ગુજરાતની પ્રજા વેપારી વિચારસરણી ધરાવે છે, વૈજ્ઞાનિક અભિગમ નહિ.

સલાહ આપવામાં ન્યૂઝપેપર એજન્ટે સહેજ પણ અતિશયોક્તિ કરી ન હતી. ‘સ્કોપ’ અને ત્યાર પછી ‘સફારી’ના અવતરણ પહેલાં ગુજરાતમાં કંઇક એવો જ માહોલ હતો. પરંતુ સ્થિતિ સુખદ રીતે બદલાઇ છે. વેપારી ગણાતી ગુજરાતી પ્રજાએ જ્ઞાનવિજ્ઞાનને આવકાર્યું છે અને ‘સફારી’ને તેમના ઘરમાં માનભેર પ્રવેશ આપ્યો છે. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વમાં પ૩ વર્ષ લાંબી કારકિર્દી દરમ્યાન ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવા સામયિકોએ મારી અનેક આકરી કસોટીઓ લીધી છેઅને દરેક કસોટીએ મારા મનોબળને ઓર મજબૂતી પ્રદાન કરી છે. આર્થિક પાસા ભૂલીને માત્ર નવી પેઢીના લાભાર્થે મારી કલમ ચલાવવાના નિર્ધારમાં હું એટલે જ કદી ચલિત થયો નહિ. બીજી તરફ વાચકોએ મારી કલમ સ્વીકારી તેમજ વધાવી એ મારે મન બહુ સંતોષની વાત છે. આજે ‘સફારી’ જે મુકામે પહોંચ્યું છે તેમાં વાચકોના અદ્રશ્ય તેમજ મજબૂત ટેકાને હું મોકળા મને બિરદાવું છું.
નગેન્દ્ર વિજય
(તંત્રી : ‘સફારી’)
સંપાદકની કલમે
અંક નં. ૧૧થી ‘સફારી’ સાથે મારો નાતો  જોડાયો ત્યારે એ મેગેઝિન નુકસાન કરતું હતું. ઘરના રૂપિયા જોડીને સામયિક શા માટે પ્રગટ કરવું ? એવો વિચાર એ વખતે આવતો અને સતાવતો, પણ ‘સફારી’ સાથેનો સંબંધ ક્રમશઃ ગાઢ બનતો ગયો તેમ એ સવાલનો જવાબ મળી ગયો. ‘સફારી’ એ સામયિક નથી, પણ નવી પેઢીને કેળવતું મિશન છે એ વાત બરાબર સમજાઇ.

‘સફારી’ આજે પણ એક મિશનના ધોરણે ચાલી રહ્યું છે, જેના કેંદ્રસ્થાને રહેલો આશય નવી પેઢીને જ્ઞાન નામના અમોઘ શસ્ત્ર વડે સજ્જ કરવાનો છે. આ શસ્ત્રનો લાભ અત્યાર સુધી ગુજરાતી વાચકોને મળ્યો. હવે ‘સફારી’ની અંગ્રેજી આવૃત્તિ થકી બીજા વાચકોને પણ મળી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં હિંદી અને મરાઠી વાચકગણના હાથમાં ‘સફારી’નો અંક મૂકવાનું આયોજન છે. પિતા નગેન્દ્ર વિજયે આજથી ચાર દાયકા પહેલા શરૂ કરેલા જ્ઞાનયજ્ઞને દેશવ્યાપી સ્વરૂપ ન આપું તો પુત્ર તરીકે ફરજ ચૂક્યો ગણાઉં.

‘સફારી’ તેનું ૨૦૦મું સીમાચિહ્ન પ્રાપ્ત કરી શક્યું તેમાં નગેન્દ્ર વિજય તથા હર્ષલ પુષ્કર્ણા ઉપરાંત ટીમ ‘સફારી’ના સભ્યો (અનિલ શાહ, કેશવ ચાવડા, અમિત શાહ, જોયલ દલાલ, રુચિ શાહ, અમિત પટેલ, તેજસ પરમાર, પરેશ મકવાણા, કૌશિક પરમાર, મયૂર તથા સમગ્ર તંત્રીમંડળ), ‘સફારી’ની વેબસાઇટને જેનું મજબૂત પીઠબળ છે તે ટેક્નિકલ ગુરુ વિશાલ વાસુ, વેબ ટીમના સભ્યો (પાર્થ પરમાર, ફોરમ પારેખ, કવિતા કનાઢિયા અને નીધિ શાહ), ‘સફારી’ના વિક્રેતા એજન્ટો-ફેરિયાબંધુઓ તેમજ દેશ-વિદેશમાં ફેલાયેલો ‘સફારી’નો વિશાળ વાચકપરિવાર પણ સમાન અભિનંદનને હકદાર છે.
હર્ષલ પુષ્કર્ણા
(સંપાદક : ‘સફારી’)